વેપાર@ગુજરાત: સોનાનો ભાવ રૂ. 1.32 લાખ અને ચાંદીનો ભાવ રૂ. 1.72 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ધનતેરસના શુભ તહેવાર છે. સોનું અને ચાંદી ખરીદવાની સદીઓ જૂની પરંપરા છે. સુરતમાં આ પરંપરા પૂરજોશમાં જોવા મળી રહી છે. આ વર્ષે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1.32 લાખ અને ચાંદીનો કિલોનો ભાવ રૂ. 1.72 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ભાવ વધારાના આ પડકાર વચ્ચે પણ ગ્રાહકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સુરતના જ્વેલર્સ ઉદ્યોગે અત્યાર સુધીની સૌથી આકર્ષક અને નવીન ઓફર્સ મૂકીને બજારમાં ધમધમાટ મચાવ્યો છે.
સુરતના જ્વેલરી બજારે રોકાણકારોને આકર્ષવા માટે એક અનોખી વ્યૂહરચના અપનાવી છે. જ્વેલર્સ દ્વારા જાહેર કરાયેલી મુખ્ય ઓફર મુજબ, જે ગ્રાહકો 3 તોલા (લગભગ 30 ગ્રામ)થી વધુ સોનાની ખરીદી કરશે, તેમને એક લેબગ્રોન ડાયમંડ ફ્રી આપવામાં આવશે.
આ ઓફર ખાસ કરીને મોટા રોકાણકારો અને જે પરિવારો પરંપરાગત રીતે વધુ માત્રામાં સોનું ખરીદે છે તેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ગ્રાહકો માને છે કે આનાથી તેઓ ધનતેરસની ખરીદીમાં વધારાનું મૂલ્ય મેળવી શકે છે અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ પૂરો પાડે છે. ગ્રાહક પરિધિએ આ ઓફરને સારો ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ ગણાવીને એડવાન્સ બુકિંગ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.
પ્રતિષ્ઠિત ડી ખુશાલદાસ જ્વેલર્સના દિપક ચોકસીએ ભાવ વધારા વચ્ચે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ પ્રકારની વિશેષ ઓફર્સ રજૂ કરી છે. ડાયમંડ જ્વેલરીના ઊંચા મેકિંગ ચાર્જ પર સીધું 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, જેનાથી હીરાની ખરીદી વધુ પોસાય તેમ બની છે. ગ્રાહક દેવાંશીએ મેકિંગ ચાર્જ પરના આ ડિસ્કાઉન્ટને કારણે હીરા અને સોનાની સારી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.30 ગ્રામથી વધુ સોનું ખરીદનારને લેબગ્રોન ડાયમંડ ફ્રી આપીને મોટી ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ સૌથી અનોખી ઓફર છે – જેટલા ગ્રામ સોનું ખરીદવામાં આવે, તેટલા ગ્રામ ચાંદી ફ્રી આપવામાં આવી રહી છે. આ ઓફર નાના રોકાણકારોને પણ લાભ આપે છે અને ગ્રાહકને સોના સાથે ચાંદીના રૂપમાં વધારાનું 'ધન' ઘરે લઈ જવાની તક પૂરી પાડે છે.
મોટી ખરીદીની ઓફર્સ ઉપરાંત, જે ગ્રાહકો 3 તોલાથી ઓછું સોનું ખરીદી રહ્યા છે, તેમના માટે મેકિંગ ચાર્જમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આનાથી સોનાના ઊંચા ભાવને કારણે થતા વધારાના ખર્ચમાં ઘટાડો થાય છે અને મધ્યમ વર્ગના ગ્રાહકો પણ ધનતેરસની પરંપરાગત ખરીદી કરી શકે છે.
આકર્ષક ઓફર્સનો લાભ લેવા માટે ખરીદી કરવા આવેલી ગ્રાહક દેવાંશીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, ખાસ આજે જે ઓફર આપવામાં આવી રહી છે તેના કારણે અમે ધનતેરસની સારી ખરીદી કરી રહ્યા છે. મેકિંગ ચાર્જિસ પર જે રીતે ઓફ આપવામાં આવી છે તેના કારણે હીરા અને સોનાની ખરીદી અમે સારી રીતે કરી શકશો. જ્યારે લેબગ્રોન ડાયમંડની ઓફરથી પ્રભાવિત થયેલા ગ્રાહક પરિધિએ આ યોજના અંગે પોતાનો સકારાત્મક મત વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની ખરીદી પર આપવામાં આવી રહી છે. જેના કારણે અમે એડવાન્સ બુકિંગ પણ કરાવી છે અને એ એક સારો વિકલ્પ છે જેના કારણે અમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકશો.