વેપાર@મહેસાણા: બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાનાં આરે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આ વર્ષે બટાકાની ભરપૂક આવક થઈ છે. જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લાનું વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતો પાયમાલ થવાનાં આરે છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ. 30,000થી રૂ. 35,000 સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ. 20,000ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલોના ભાવ રૂ. 250થી રૂ. 450 સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. 80થી રૂ. 150ની વચ્ચે આવી ગયા છે. હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. 100માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે.
મબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાલ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે.
વિજાપુર APMCના ચેરમેન રાજુ પટેલે પણ ખેડૂતોની વહારે આવતા સરકારને નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં છે. ત્યારે સરકારે ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય કોઈ રીતે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. હરીપુરાના ખેડૂત ઝવેર પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જો સરકાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખેડૂતોનો સાથ ઈચ્છતી હોય તો સરકારે તુરંત રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોની સામે જોવું જોઈએ.

