વેપાર@મુંબઈ: રોકાણકારોના 13 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1900 પોઈન્ટ ઘટીને 77,000 પર ટ્રેડ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આજે 9 માર્ચે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 1900 પોઈન્ટ ઘટીને 77,000 પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી પણ લગભગ 600 પોઇન્ટ ઘટીને 23,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેંક, ઓટો, મેટલ, એનર્જી અને એફએમસીજી શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે.
સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ, સોમવાર, શેરબજારના રોકાણકારો માટે ખુબજ ખરાબ સાબિત થયો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થયા. જ્યારે BSE સેન્સેક્સ 2,400 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ ક્રેશને કારણે, બજાર ખુલ્યા પછી માત્ર પાંચ મિનિટમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 436 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ મોંઘવારીમાં વધારો થવાનું જોખમ ઊભું કરે છે. આનાથી કંપનીઓના નફામાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ રોકાણકારો તેમના શેર વેચવાનું અને સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવાનું શરૂ કરે છે, જેના કારણે બજારમાં ઘટાડો થાય છે.
શેરબજારના ક્રેશને કારણે રોકાણકારોને થયેલા નુકસાન પર નજર કરીએ તો, શુક્રવાર, 6 માર્ચના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટાડા પછી લગભગ 449 લાખ કરોડ રૂપિયા હતું.પરંતુ સોમવારે, ઘટાડાના પ્રથમ પાંચ મિનિટ દરમિયાન તે ઝડપથી તૂટી પડ્યું અને ₹436 લાખ કરોડથી નીચે પહોંચી ગયું. આ ગણતરી કરતાં, રોકાણકારોએ આ પાંચ મિનિટમાં આશરે ₹13 લાખ કરોડ ગુમાવ્યા.
અમેરિકી ડોલર સામે રૂપિયો 46 પૈસા ઘટીને 92.28 પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી નીચું સ્તર છે. મિડલ ઈસ્ટમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે રૂપિયામાં આ નબળાઈ જોવા મળી છે.

