દુર્ઘટના@અમદાવાદ: વર્ધમાન ડેવલપર્સની સ્કીમના બાંધકામ સમયે ૩ શ્રમિકો નીચે પટકાયા, 2નાં મોત
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Jan 1, 2026, 19:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાંથી એક દુ: ખદ ઘટના સામે આવી છે. અમદાવાદમાં વર્ધમાન ડેવલપર્સની સ્કીમના બાંધકામ સમયે પટકાતા 2 શ્રમિકના મોત નીપજ્યા.એકની હાલત ગંભીર.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ ની પાછળના ભાગે આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર સવારના સમયે દુર્ઘટના બની હતી. સાઈટ ઉપર મજૂરો દ્વારા સેન્ટીંગ પાર્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું. કામગીરી દરમિયાન ત્રણ મજૂરો ઉપરથી નીચે પડતા હતા જેમાં બે મજૂરોનું ઘટના સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોત નોંધી કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળ વર્ધમાન ડેવલપર્સની નંદીની બિલ્ડીંગ હેપ્પીનેસ નામની રહેણાંક બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. રહણાંક બાંધકામની આ સ્કીમમાં સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મજૂરો સેન્ટીંગ પાટ બાંધવાનું કામ કરી રહ્યા હતા.
આ દરમિયાનમાં ચોથા માળે પાલક ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી ત્રણ જેટલા મજૂરો નીચે પડ્યા હતા. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે એક મજૂરને ગંભીર રીતે ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. બંને મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના છે. મૃતક ના નામ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થયા હતા.

