દુર્ઘટના@ગાંધીનગર: યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે અથડાવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર શહેરમાંથી અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે.ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક યુવક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એક યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ સાથે તેનું એક્ટિવા પૂરઝડપે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.
આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવક મૂળ સુદાનનો રહેવાસી હતો. તે ગાંધીનગરની કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. પોલીસે હાલ તેના ઓળખ માટે કવાયત હાથ ધરી છે.

