દુર્ઘટના@ગુજરાત: શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી, 2 લોકોના મોત, અનેક ઘાયલ

અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતાં હાઈ-વે પર મરણચીસો ગુંજી ઉઠી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતના હાઈ-વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતાં હાઈ-વે પર મરણચીસો ગુંજી ઉઠી હતી.

મળતી માહિતી મુજબ, આ ખાનગી બસમાં 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. આ તમામ યાત્રિકો ભાવનગરથી નીકળ્યા હતા અને દ્વારકાના દર્શને નીકળ્યા હતા અને દ્વારકાથી સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા. રઈજ ગામ પાસે પહોંચતા જ અચાનક હાઈ-વે પર એક રોઝડું વચ્ચે આવી ગયું હતું.

પૂરઝડપે જતી બસની સામે અચાનક પશુ આવી જતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ફફડાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.