દુર્ઘટના@જુનાગઢ: ત્રણ બહેનોના લગ્ન લેવાયા ને ભાઈનો અકસ્માતમાં જીવ જતા પરિવાર પર આભ ફાટ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જુનાગઢ શહેરના કેશોદ હાઇ-વે પર ડિવાઈડરમાં આવેલા વૃક્ષોને પાણીનો છંટકાવ કરી રહેલા પાણીના ટેન્કર સાથે પાછળથી આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફત કારચાલક યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક કોડિનાર તાલુકાના વડનગરનો 28 વર્ષીય નિરવ રૂખડભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. નિરવ તેના પિતા સાથે સોમનાથ ખાતે ધાર્મિક વિધિ પતાવીને એકલો કાર લઈને જેતપુર ખાતે પોતાની ખાનગી નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન કેશોદ પાસે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ પિતા અને મિત્રો કેશોદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
મૃતક નિરવના પરિવારમાં આવતા મહિને જ ખુશીઓનો પ્રસંગ હતો. નિરવની ત્રણ બહેનોના લગ્ન આવતા મહિને નિર્ધારિત હતા. એકાએક પુત્રના મોતના સમાચાર સાંભળી પિતા ભાંગી પડ્યા હતા. હોસ્પિટલ ખાતે પિતાએ ભારે હૈયે વલોપાત કરતા કહ્યું હતું કે, આવતા મહિને ત્રણ દીકરીઓના લગ્ન છે, હવે બહેનોના જવતલ કોણ હોમશે?" આ દૃશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. હાલ કેશોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

