દુર્ઘટના@જૂનાગઢ: વિલીંગ્ડન ડેમની કૂંડીમાં નહાવા ગયા ને કાળ ભેટ્યો, 3 યુવાનોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ શહેરમાંથી હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે.જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલીંગ્ડન ડેમ ખાતે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાત પરપ્રાંતીય યુવાનોનો એક સમૂહ ડેમની કૂંડીમાં નહાવા માટે આવ્યો હતો, જે દરમિયાન ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ ત્રણેય યુવાનના મૃતદેહ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રજાના દિવસે સાતેય મિત્રો વિલીંગ્ડન ડેમ ખાતે મોજ-મસ્તી કરવા પહોંચ્યા હતા. ડેમની કૂંડીમાં નહાતી વખતે અચાનક ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. તેની સાથે આવેલા અન્ય ચાર મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ પોતાની નજર સામે જ પોતાના કલેજાના ટુકડા સમાન મિત્રોને ડૂબતા જોઈ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી.
ઘટનાસ્થળે હાજર એક મિત્રએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મારું નામ ગુલામહુસેન છે. અમે કુલ 7 મિત્રો સાંજે 5 વાગ્યે અહીં નાહવા માટે આવ્યા હતા. નાહતી વખતે અમારામાંથી 3 મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે અમે 4 મિત્રો હેમખેમ બહાર નીકળવામાં સફળ રહ્યા છીએ. અમારી સાથે હસનૈન, શિવમ, કલામ, મનોજ, અહેમદ હુસૈન અને અમિત હતા. અમે મૂળ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના બૈરાગી ગામના વતની છીએ અને હાલ જૂનાગઢમાં રહીને મજૂરીકામ કરીએ છીએ.
આ બનાવની જાણ થતા જ જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા પાણીમાં ઓક્સિજન સિલિન્ડર અને અન્ય સાધનો સાથે ઊંડી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાકીના બે યુવાનો હજુ પણ ગુમ હોવાથી તંત્ર દ્વારા ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
પોલીસે મળી આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડૂબેલા તમામ યુવાનો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે, જેઓ અહીં મજૂરીકામ અર્થે આવ્યા હોવાનું મનાય છે. આ કરુણ ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વાતાવરણ ગમગીન બની ગયું છે. સ્થાનિક તંત્રએ પ્રવાસીઓને ડેમ અને નદીઓના જોખમી વિસ્તારોમાં નહાવા ન પડવા માટે ફરી એકવાર અપીલ કરી છે.

