દુર્ઘટના@તાપી: વાલોડની સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી, 2 લોકોના કરૂણ મોત

"કાટમાળમાંથી લાશો નીકળતી રહી" 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી કોપર કો-ઓપરેટિવ સુગર મિલમાં દિવાળીના તહેવાર વચ્ચે ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, ગત 5 નવેમ્બરે સાંજે લગભગ 5:30 વાગ્યે મિલ પરિસરમાં પાણીની વિશાળ ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડી હતી. કાટમાળ નીચે બે કર્મચારીઓ દબાઈ ગયા હતા.

કલાકોની ભારે જહેમત બાદ મોડી રાત્રે બંનેના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અરુણ છોટુભાઈ પટેલ (ઉં. 54, રહે કલકવા) અને ધર્મેશ ભીખુ પટેલ (ઉં. 35, રહે દાદરિયા) તરીકે થઈ છે. અરુણભાઈનો મૃતદેહ રાત્રે 12 વાગ્યે અને ધર્મેશભાઈનો મૃતદેહ રાત્રે 2 વાગ્યે મળ્યો હતો.

સંવેદનહીનતાની પરાકાષ્ઠા:

એક તરફ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન હતું, ત્યારે બીજી તરફ મિલના સત્તાધીશો ઘટનાસ્થળ નજીક બેસીને ઠંડા પીણાં અને જ્યુસની જ્યાફત માણતા નજરે પડ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ ટાંકીનું થોડા સમય પહેલા જ રિપેરિંગ કરાયું હોવા છતાં તૂટી પડતા મિલના મેન્ટેનન્સ અને બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.