દુર્ઘટના@મહેસાણા: બોલેરો કારે આંગણામાં બેઠેલાં 3 લોકોને કચડ્યા, 2 લોકોના મોત

કારની સ્પીડ 100થી વધુની હોવાથી દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લામાંથી અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં વૃંદાવન સોસાયટીમાં 3 ઓગસ્ટની સાંજે એક કાળજું કંપાવતો અકસ્માત સર્જાયો. સોસાયટીમાં જ રહેતા સગીર વયના ચાલકે બોલેરો કાર ગફલતભરી રીતે હંકારી ઘરના આંગણામાં બેઠેલાં વૃદ્ધા, સગીરા અને એક માસૂમ બાળકીને અડફેટે લીધી હતી. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં વૃદ્ધા અને સગીરાનું સારવારમાં મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકીને ગંભીર ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. કારની સ્પીડ 100થી વધુની હોવાથી દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો.

સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર (HR-76-L-3235) કાચી માટીમાં ફસાઈ ગઈ હતી. કારચાલક દક્ષ પ્રવિણભાઈ સૈનીએ ગાડી બહાર કાઢવા માટે સખત એક્સિલેટર આપતાં કાર અચાનક પૂરઝડપે આગળ ધસી આવી હતી. પૂરઝપડે કારે ઘરના આંગણામાં બેઠેલાં કંચનબેન દરજી, તેમની પૌત્રી હાર્વી અને પડોશીની દીકરી સોનલબેનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટીને જમીનદોસ્ત થઈ ગયા હતા.

ઘટના બાદ કારચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં કંચનબેનનું મહેસાણા અને સગીરા સોનલનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકી હાર્વીને થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે. આ મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક દક્ષ સૈની સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધી જીતુ દરજીએ જણાવ્યું કે, કાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ મારા કાકી અને એમના બાજુમાં રહેતો પરિવાર અહીંયા પગથિયાં ઉપર બેઠા-બેઠા વાતો કરતા હતા. તે સમયે આ બોલેરોનો ચાલક બેફામ કાર ચલાવીને બેઠેલા ઉપર ચડાવી દીધી હતી. ગાડીની સ્પીડ લગભગ 100ની હતી. નિર્દોષ પરિવારે ભોગ બનવું પડ્યું હોવાથી પોલીસ અને સરકાર ત્વરિત કડક પગલાં ભરી આરોપીને સખત સજા કરે તેવી મારી માગ છે.