દુર્ઘટના@વલસાડ: બોટ પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો, દોઢ વર્ષનું બાળક દરિયામાં ગરકાવ

20 કલાકની શોધખોળના અંતે માત્ર મૃતદેહ મળ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડના દરિયાકિનારે મંગળવારે સવારે એક દુર્ઘટના બની હતી. લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવવાની ધાર્મિક વિધિ દરમિયાન એક બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં દાદીના ખોળામાંથી સરકીને દોઢ વર્ષનું એક બાળક દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. 20 કલાકની શોધખોળ બાદ આજે સવારે 6:10 વાગ્યે ટીવી સ્ટ્રીટ ફળિયા નજીકના દરિયાકિનારેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઉમરસાડી માછીવાડના સાગીયા અને મોરી ફળિયાના માછીમાર સમાજ દ્વારા ભાદરવી અમાસ પછી માછીમારી શરૂ કરતા પહેલાં એક પરંપરાગત ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ વિધિ અંતર્ગત ગતરોજ સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે લાલજી મહારાજની મૂર્તિને બોટ દ્વારા દરિયામાં લઈ જઈ સ્નાન કરાવવામાં આવી રહી હતી. આ દરમિયાન બોટના પંખામાં માછીમારીની જાળનું દોરડું ફસાઈ ગયું હતું. જેના કારણે બોટનું સંતુલન બગડ્યું અને તે પલટી ગઈ. બોટમાં બે પૂજારી સહિત લગભગ 6 થી 8 લોકો સવાર હતા. બોટ પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બોટ પલટી તે સમયે દાદીના ખોળામાં બેઠેલું આશરે દોઢ વર્ષનું બાળક પાણીમાં સરકી ગયું અને દરિયામાં ડૂબી ગયું હતું. જોકે, બોટમાં સવાર અન્ય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો દરિયાકિનારે પહોંચી ગયા હતા. પારડી પોલીસ, સરપંચ, ઉમરસાડી માછીવાડના અને ચંદ્રપુરના તરવૈયાઓએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. સઘન રેસ્ક્યૂ ઓપરેશનના અંતે 20 કલાકની શોધખોળ બાદ આજે સવારે બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.