દુર્ઘટના@ગુજરાત: આઇસરે ટક્કર મારતાં પોલીસની કાર આગળ જતાં ટ્રકમાં ઘૂસી, 1નું મોત નીપજ્યું

તેમજ અન્ય ઇજાગ્રસ્તોને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 
દુર્ઘટના@ગુજરાત: આઇસરે ટક્કર મારતાં પોલીસની કાર આગળ જતાં ટ્રકમાં ઘૂસી, 1 પોલીસકર્મીનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  સુરતના નાના બોરસરા ગામ પાસે આરોપીને લઇને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા એલસીબી ટીમને અકસ્માત નડ્યો હતો. જેમાં આઇસર ટેમ્પોએ પાછળથી ટક્કર મારતાં કાર આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હાલ ભરૂચના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે રાજકોટ એલસીબીની ટીમ સુરતના હજીરા ખાતેથી બ્લેક ક્રેટા કારમાં પેરોલ જમ્પ આરોપીને લઇને ચાર એલસીબી પોલીસ જવાનો જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પો ચાલકે ક્રેટાને ટક્કર મારી હતી. જેને લઇને કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેને લઇને કાર પડીકું વળી ગઇ હતી. કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી દબાઈ ગયા હતા.

બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલા હાજર લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે ગંભીર ઈજાઓના કારણે દિગ્વિજયસિંહ રાઠોડ નામના પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પોલીસકર્મીનું મોત થતાં પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો છે. રાજકોટ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાલ ઘટના સ્થળે આવવા રવાના થયા છે.