દુર્ઘટના@ગોંડલ: કાર અને બાઈક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 યુવકનું મોત નીપજ્યું

યુવકનું સારવાર દરમિયાન મોત
 
દુર્ઘટના@ગોંડલ: કાર અને બાઈક  વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 યુવકનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છે. આ ભયાનક દુર્ઘટનાઓમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે. ગોંડલ તાલુકાના અનિડા ગામ પાસે આવેલી જીનિંગ મિલના કારખાનામાં કામ કરતા બે યુવાનો ગત સાંજના સમયે ગોંડલ તરફ બાઈક લઈને જતા હતા. તે દરમિયાન ઇક્કો કારની પાછળ ધડાકાભેર બાઈક અથડાતા અચાનક બાઈકમાં વિશાળ આગ લાગી હતી. અકસ્માતના બનાવને લઈને ગોંડલ ફાયર સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં કરી હતી.

બાઈક સવાર કિશન અશ્વિનભાઈ અગ્રાવત (ઉ.વ.19) અને જેન્તી રવશી પગી (ઉ.વ.40) બન્ને આગની લપેટમાં આવી જતા દાઝી ગયા હતા. દાઝી ગયેલા બન્ને યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે બપોરે કિશન અશ્વિનભાઈ અગ્રાવતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક કિશનના પિતા અશ્વિનભાઈ ગોંડલ શહેરમાં 108 એમ્બ્યુલન્સ ચલાવતા કોઈ સબબ બીમારીના કારણે અવસાન પામ્યા હતા. મૃતક કિશન બે ભાઈ હતા જેમાં કિશન નાનો હતો. અને માતા, ભાઈ ભાભી સાથે રહેતો હતો.