દુર્ઘટના@સુરત: ડાયમંડ ફેક્ટરીની ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતાં 14 રત્નકલાકાર દાઝ્યાં, 2ની હાલત ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર બ્લાસ્ટ થવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર બ્લાસ્ટ થવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી આરવી ડાયમંડ્સ કંપનીના ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્નકલાકારોમાંથી 14 જેટલા દાઝી ગયા છે. જેમાથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સુરત મેયર દક્ષેશ માવાણીએ ઇજાગ્રસ્તોની કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.
સુરતના કતારગામ વિસ્તારની આરવી ડાયમંડ્સ કંપનીના ત્રીજા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઈનમાં ધડાકાભર સાથે બ્લાસ્ટ થયો હતો. ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એકાએક જ બ્લાસ્ટ થતા હીરા ક્લિનિંગનું કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગેસ પાઇપલાઇનના ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી. આ ગેસ લાઈનનો ઉપયોગ ગોલ્ડનને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પેન્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ મામલે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અમે પહોંચ્યા તે પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના બની છે. જોકે, ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો, પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્નકલાકારો દાઝી ગયા છે.