રિપોર્ટ@અમદાવાદ: ભેખડ અચાનક ધસી પડતા 2 મજૂરો દટાયા, 1નું મોત નીપજ્યું

અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન ડીમાર્ટ મોલની સાઈટ પર ખોદકામ દરમિયાન અકસ્માત સર્જાયો

 
દુર્ઘટના@અમદાવાદ: ભેખડ અચાનક ધસી પડતા 2 મજૂરો દટાયા, 1નું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડીમાર્ટ મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ઘસી પડવાની ઘટના બની છે. ભેખડ ધસી પડતા 2મજૂરો દટાયા હતા જેમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટના અંગેની જાણ ફાયરબ્રિગેડની ટીમને થતા ત્રણથી વધુ ગાડીઓ રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ભેખડમાં દટાયેલા બંને મજૂરોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નિકોલ- વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટના ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડવાની ઘટના બની છે અને કેટલાક લોકો દટાયા છે. જેથી ફાયર સ્ટેશનની બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા વ્યક્તિને પણ 15 થી 20 મિનિટમાં બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે.

નિકોલ ફાયર સ્ટેશનના ઓફિસર અને ઘટના સ્થળે સૌપ્રથમ પહોંચેલા એવા વિષ્ણુભાઈ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનમોહન પાર્ક ચાર રસ્તા પર કિંગસ્ટોન નામની બિલ્ડીંગની બાજુમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના અંગેનો મેસેજ મળતા ત્યાં પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિ અંદર દટાયેલો જોવા મળ્યો હતો અને તેના માથાના વાળ દેખાતા હતા જેથી તરત જ તેને સૌથી પહેલા માટી હટાવી અને બહાર કાઢી લેવામાં આવ્યો. માટીમાં દટાયેલા બીજા વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. બીજા વ્યક્તિને પણ 10 થી 15 મિનિટમાં શોધખોળ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યો હતો જો કે તેની હાલત ખૂબ ગંભીર હતી અને સંપૂર્ણ બેભાન અવસ્થામાં હતો. જેથી તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે જોકે સ્થળ ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. નિકોલ પોલીસના જણાવ્યા મુજબ નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના મામલે બે મજૂરોમાંથી એક મજૂરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જે કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની ત્યાં નવું ડી માર્ટ બની રહ્યું હતું. કામગીરી દરમિયાન ભેખડતા બે મજૂરો દટાયા હતા.