દુર્ઘટના@અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા 3 પશુનાં મોત નીપજ્યા

ત્રણ ફાયરબ્રિગેટની ટીમ સ્થળે પહોંચી
 
દુર્ઘટના@અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા 3 પશુનાં મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. અમદાવાદમાં વહેલી સવારે આગની બે ઘટના સામે આવી છે. જેમાં પહેલી ઘટના સરખેજ-ધોળકા હાઇવે ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હતી. અમદાવાદ ફાયરબ્રિગેડની કુલ નવ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફટાકડાની ફેક્ટરીમાં બાંધેલા છમાંથી ત્રણ જેટલા બકરાના સળગી જવાથી મૃત્યુ થયા છે, જ્યારે ત્રણ બકરાને ફાયર ટીમે બચાવી લીધા હતા. બીજી ઘટનામાં શહેરના સનાથલ-બાવળા રોડ ઉપર આવેલા પટેલ ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.


ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે સરખેજથી ધોળકા તરફ જતા રોડ ઉપર આવેલા નદીમાં પુરા ગામમાં ન્યુ મીરા કિંગ ફાયર વર્ક નામની ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. જેથી પ્રહલાદનગર, અસલાલી અને બોપલ ફાયર સ્ટેશનની મળી કુલ નવ જેટલી ટીમો તાત્કાલિક નરીમાનપુરા ખાતે રવાના કરવામાં આવી હતી. ફટાકડાની ફેક્ટરી હોવાના કારણે ઝડપથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરબ્રિગેડના 25 જેટલા જવાનો દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

સવારે 8 વાગ્યા સુધી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જહેમત ઉઠાવી 2 લાખ લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુજાવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લીધા બાદ ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી તો તેમાં 6 જેટલા બકરા બાંધેલા હતાં. તેમાંથી ત્રણ બકરા આગમાં સળગી ગયા હતાં. જ્યારે ત્રણ જેટલા બકરાઓ સહી સલામત મળી આવતા તેને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આગમાં બીજી અન્ય કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.

શહેરના સનાથલ-બાવળા રોડ ઉપર આવેલા પટેલ ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં પણ સવારના સમયે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સર્વિસ સ્ટેશનમાં પડેલો વિવિધ સામાન આગમાં સળગી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પટેલ ટ્રાવેલ્સ ના સર્વિસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.