દુર્ઘટના@ગુજરાત: ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં 3 લોકોનાં કરુણ મોત નીપજ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગઇકાલ રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાતાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરના ખારવાવાડ વિસ્તારમાં જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માળનું રહેણાક મકાન અચાનક ધસી પડ્યું હતું, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા-પુત્રી સહિત 3 લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે.
નવરાત્રિનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું, ત્યાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇકસવાર વ્યક્તિ જે મકાન નીચે ઊભો હતો, તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો, અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકાની ટીમ અને ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી. રાત્રે શરૂ થયેલી બચાવ કામગીરી સુધી સતત ચાલી હતી.સખત મહેનત બાદ કાટમાળ હટાવીને બચાવ ટુકડીઓએ 3 મૃતદેહને બહાર કાઢ્યા હતા, જ્યારે મકાનમાં રહેલા બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલું આ મકાન અંદાજે 80 વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી તેની હાલત જર્જરિત હતી. જૂના અને જર્જરિત મકાનોની જાણ હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મૃતકોના પરિવારો પર આવી પડેલા આ દુઃખના પહાડથી સૌ કોઈ સ્તબ્ધ છે.
મૃતકો:
- દિનેશ પ્રેમજી જુંગી
- દેવકીબેન શંકરભાઈ સૂયાની
- જશોદાબેન શંકરભાઈ સૂયાની