રિપોર્ટ@આણંદ: કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝ્યાં

ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝ્યાં
 
દુર્ઘટના@આણંદ: કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાનો બનાવ સામે આવતો હોય છે. આણંદ શહેરના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં રાત્રીના સમયે એકાએક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી છે. આ આગને બુઝાવવા માટે આણંદ ફાયરબ્રિગેડની ટીમ કામ કરી રહી હતી. તે દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ફાયરબ્રિગેડના ચાર જવાનો દાઝ્યાં હતા. દઝાયેલા આ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

આણંદ શહેર નજીક આવેલ ગોપાલપુરામાં સત્યેન્દ્ર પેકેજીંગ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં રાત્રીના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગ બેકાબુ બની હતી અને સમગ્ર કંપનીમાં પ્રસરી ગઈ હતી. જેથી આસપાસના લોકો તેમજ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તેઓએ આણંદ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના મુજબ ફાયરબ્રિગેડની ટીમ ત્રણ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના કામે લાગી હતી. જોકે આગ કાબુમાં આવતી ન હોવાથી વિદ્યાનગર, કરમસદ અને બોરસદ ફાયરબ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની આ તમામ ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી રહ્યાં હતાં. તે વખતે અચાનક કેમિકલ ભરેલા પીપ માં બ્લાસ્ટ થયો હતો. જેમાં ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝ્યાં છે. આ ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

આ અંગે આણંદ ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર જણાવે છે કે, સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે આણંદના ત્રણ ફાયર ફાયટર, વિદ્યાનગરના બે તેમજ કરમસદ અને બોરસદના એક-એક મળીને કુલ સાત ફાયર ફાયટર કામે લાગ્યાં છે. આગ બુઝવવાની કામગીરી દરમિયાન એકાએક બ્લાસ્ટ થતાં આણંદ ફાયરબ્રિગેડના બે અને વિદ્યાનગર ફાયરબ્રિગેડના બે મળીને કુલ ચાર જવાનો દાઝ્યાં છે. તેઓને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ આ ચારેય જવાનોની હાલત સારી હોવાનું ટેલિફોનિક માધ્યમથી જાણવા મળ્યું છે.