દુર્ઘટના@ગુજરાત: બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, 5નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટથી અમદાવાદ તરફ જતી મિની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે 10 ઈજાગ્રસ્ત થયા છે. દર્શનાર્થીઓની અમદાવાદથી રાત્રે ફ્લાઈટ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. મિની બસમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લીંબડી DySP વિશાલ રબારી ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ જોવા જઈએ તો ટેમ્પો ટ્રાવેર્લ્સ ગાડી હતી, જે રાજકોટથી અમદાવાદ તરફ જતી હતી અને એના આગળના ભાગે આ જે ડમ્પર જતું હતું. કોઈ પણ રીતે પ્રાથમિક સ્તરે એવું લાગે છે કે ઓવરટેક કરવામાં ગાડી પાછળથી અડી હોય એવું લાગે છે અને એના લીધે ગાડીમાં ભારે નુકસાન થયું છે, આગળ જે બેસેલા છે એમાંથી પાંચેક લોકોના મૃત્યુ થયા છે. એ લોકોના પીએમ માટે થઈને લીંબડી ખસેડવામાં આવેલા છે અને બાકીના જે લોકો ઇજાગ્રસ્ત છે, એમને સાયલા હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવેલા છે. અત્યારે એમનો સામાન છે એ પોલીસ સ્ટેશન પહોંચાડી અને સારવાર માટે થઈને પણ સુવિધાઓ પહોંચાડવામાં આવે એના માટે વધુને વધુ અમારો પ્રયત્ન ચાલુ છે.
પશ્ચિમ બંગાળથી એક ગ્રુપ સૌરાષ્ટ્ર પ્રવાસ માણવા આવ્યું હતું. સોમનાથ અને દ્વારકા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આજે તેઓની અમદાવાદથી પશ્ચિમ બંગાળ માટે ફ્લાઈટ હતી, પરંતુ આ દુર્ઘટનાએ તેમના પ્રવાસને દુઃખદ બનાવ્યો હતો. સાયલા-લીંબડી હાઇવે પર મોરવાડ ગામ પાસે ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે.
ખસેડાયા આ અકસ્માતમાં 10 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લીંબડી DySP વિશાલ રબારી, પીઆઇ અને પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રત્યક્ષદર્શી મુકેશ ઝાપરા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું અહીંથી જઈ રહ્યો હતો અને અકસ્માત બનતા જોઈ ગયો એટલે મારું બાઈક રોકી દીધું. 108ને ફોન કરીને બોલાવી લીધું હતું. બધાને સારવાર માટે ખસેડ્યા હતા. દસેક જણાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને પાંચેક જણા અહીં મૃત્યુ પામ્યા છે. મોરવાડ બ્રિજ પર આ બનાવ બન્યો છે.
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.