દુર્ઘટના@વડોદરા: ક્લાસરૂમની દીવાલ અચાનક ધરાશાયી થતા 5 વિદ્યાર્થી પટકાયા અને ઈજા પહોચી

એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર શાળાની દીવાલ ધરાશાયીની દુર્ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. ક્લાસરૂમની દીવાલ અચાનક ધરાશાયી થતા 5 વિદ્યાર્થી પટકાયા.

આ દુર્ઘટનામાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યુ હતું. જેની પ્રાથમિક સારવાર બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતુ અને વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં કપૂરાઈ પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.