દુર્ઘટના@ગોંડલ: નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત, 7 લોકોને ઈજા
એક જ પરિવારના 7 લોકોને ઈજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. ગોંડલ નજીક હાઇવે રોડ સામાન્ય વરસાદમાં ધોવાઈ જતાં અનેક અકસ્માતોના બનાવ બને છે. ગોંડલ નજીક હાઇવે પર અનેક નાના-મોટા ખાડાઓના કારણે કાર અને બાઇક પલટી મારવાના બનાવ બને છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. ગોંડલ નેશનલ હાઇવે પર કાર પલટી મારી જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢથી રાજકોટ પારિવારિક કામ માટે જતાં હતા. તે સમયે ક્રેટા કાર પલટી મારતા કારમાં સવાર 7 લોકોને ઇજા પહોંચી છે. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. ગોંડલ નેશનલ હાઇવે નજીક રાધિકા ફર્નિચર પાસે ક્રેટા કારચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઈડર ઠેકી પલટી મારી ગઈ હતી. કારમાં સવાર 7 લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કારમાં સવાર 42 વર્ષીય ગીતાબેન દિનેશભાઈ ગોહેલ, 45 વર્ષીય દેવરાજભાઈ વાલજીભાઈ ગોહેલ, 50 વર્ષીય શંકર ભનાભાઈ બારૈયા, 54 વર્ષીય દિનેશભાઈ સંજયભાઈ ગોહેલ, 60 વર્ષીય મંજુલાબેન વાલજીભાઈ ગોહેલ, 43 વર્ષીય જયશ્રી દેવરાજભાઈ ગોહેલ, 70 વર્ષીય વાલજી સોમાભાઈ ગોહેલને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે ગોંડલની વાડોદરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે અકસ્માતના બનાવને લઈને શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.