દુર્ઘટના@આણંદ: નહેરમાં ખાબકેલા ટ્રેક્ટરના ટાયર નીચે દબાયેલા ચાલકનું મોત નીપજ્યું

ટ્રેક્ટર પર સવાર એક ઈસમને ઈજા પહોંચી
 
દુર્ઘટના@રાજકોટ: બાઈક બોલેરો સાથે અથડાતાં 2 સગા ભાઇઓના ટૂંકી સારવારમાં કમકમાટીભર્યા મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ઉમરેઠ તાલુકાના ધોળી ગામની સીમમાં આવેલ મોટી નહેરમાં ટ્રેક્ટર ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટરના ટાયર નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં ચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે, ટ્રેક્ટર પર સવાર એક ઈસમને ઈજા પહોંચી છે.

ઉમરેઠ તાલુકાના ધોળી ગામમાં આવેલ સોના ટેકરી વિસ્તારમાં રહેતાં 63 વર્ષીય રમણભાઈ ભૂપતભાઈ ચૌહાણ આજરોજ સવારે દશ વાગ્યાના અરસામાં પોતાના ટ્રેક્ટર નંબર GJ 23 CF 6886માં ડિઝલ પુરાવવા માટે સારસા જવા ઘરેથી નીકળ્યાં હતાં. તે વખતે ગામમાં જ રહેતાં મફતભાઈ ભીખાભાઇ ચૌહાણ પણ ટ્રેક્ટરમાં તેમની સાથે હતાં. સવા દશ વાગ્યાના અરસામાં તેઓ ધોળી ગામની સીમમાં આવેલ મોટી નહેર નજીકથી પસાર થતાં હતાં. તે વખતે ચાલક રમણભાઈએ એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં, ટ્રેક્ટર નહેરમાં ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં મફતભાઈ ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયાં હતાં. જેથી તેઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે રમણભાઈ ટ્રેક્ટરના ટાયર નીચે દબાઈ ગયાં હોવાથી તેઓને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માત અંગેની જાણ થતાં રમણભાઈના પરિવારજનો તેમજ ગ્રામજનો તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતાં અને બંનેને સારવાર અર્થે સારસા સરકારી દવાખાને લઈ ગયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ રમણભાઈ ચૌહાણને મૃત જાહેર કર્યાં છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ ચૌહાણની ફરીયાદને આધારે ખંભોળજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.