દુર્ઘટના@અમદાવાદ: કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લોકોમાં દોડધામ મચી

ફાયરની 12થી વધુ ગાડી દોડી

 
દુર્ઘટના@અમદાવાદ: કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લોકોમાં દોડધામ મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં જુના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 12થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.  બ્રિગેડના અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પતરાના શેડના બનેલા ગોડાઉનમાં આગ પ્રસરી છે. આસપાસના ગોડાઉનમાં આગ પહોંચી હોવાની માહિતી છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


મળતી માહિતી મુજબ, દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે. જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન હોવાના કારણે તુરંત જ આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 12 જેટલી ગાડીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ જવાનો આગ બુજાવવાની કામગીરી શરૂ કરી છે. પતરાના ગોડાઉન આવેલા છે અને પાછળ રહેણાંક વિસ્તાર છે. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી છે.

ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે ત્રણ દરવાજા પાસે આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળતાંની સાથે જ જમાલપુર અને પાંચકૂવા ફાયર સ્ટેશનની કુલ 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ટ્યૂટોરિયલ માર્કેટમાં વિવિધ વસ્તુઓના વેચાણની 120થી વધુ દુકાનો આવેલી છે. ભોંયરામાંથી બહાર આવેલો ધૂમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓ દુકાન બંધ કરી બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી ભોયરામાંથી આગને કાબૂમાં લીધી હતી.


ટ્યુટોરિયલ માર્કેટના ભોંયરામાં આર્ટિફિશિયલ ફૂલો એટલે કે પ્લાસ્ટિકના ફૂલોનો માલ સામાન પડ્યો હતો. ભોંયરામાં મોટી સંખ્યામાં દુકાનદાર દ્વારા પ્લાસ્ટિકના ફૂલો મૂકવામાં આવ્યા હતા. જેમાં આગ લાગી હતી. જેથી ધૂમાડો વધારે જ ફેલાઈ ગયો હતો. રાત્રે આગ બૂઝાવ્યા બાદ પણ આખી રાત ફાયર બ્રિગેડની 6 ટીમે ત્યાં કૂલિંગ કરવાની કામગીરી કરી હતી.