દુર્ઘટના@સુરત: ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

બનાવવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો
 
દુર્ઘટના@સુરત: ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. સરથાણામાં દસમા માળે એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ફ્લેટ બંધ હતો ત્યારે સીલિંગમાં શોર્ટ સર્કિટ થઈ તણખા ઝરતાં નીચે સોફા સહિતના સામાનમાં આગ પકડી લીધી હતી.

વિગતો અનુસાર, સરથાણા ગઢપુર રોડ પર નિલકંઠ લક્ઝરિયામાં દસમા માળે રહેતો એક પરિવાર રવિવારે રાત્રે બહાર ગયો હતો અને ઘરમાલિક નીચે કામ માટે ઉતર્યા હતા. આ દરમિયાન ડ્રોઈંગ રૂમની સીલિંગમાં શોર્ટસર્કિટ થઈ એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આસપાસના રહીશોએ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ ઘટના સ્થળે ધસી જઈને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં 2 એસી, પંખા, ઇન્વર્ટર તેમજ રસોડા અને હોલમાં મુકેલો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, ઘર બંધ હોવાથી સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

ફાયર ઓફિસર જગદીશદાન રત્નુએ જણાવ્યું કે પરિવાર 15 મિનિટ પહેલાં જ બહાર ગયો હતો. દરમિયાન શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં રસોડા અને હોલ સહિતની ઘરવખરી અને ફર્નિચર બળી ગયા હતા.