દુર્ઘટના@ગુજરાત: બારીકોટાના વિસ્તારમાં આવેલ જંગલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી

બારીકોટા નજીક જંગલમાં આગ લાગી

 
દુર્ઘટના@ગુજરાત: બારીકોટાના વિસ્તારમાં આવેલ જંગલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે.  મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. જિલ્લાના સંતરામપુર તાલુકાના બારીકોટા ગામે થોરી ફળિયા વિસ્તારમાં આવેલ જંગલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર સુધી જોવાતા હતા. ગતરાત્રીના સમયે આ ઘટના બની હતી.

આ અંગેની જાણ સંતરામપુર વન વિભાગના કર્મીઓને થતા જ તાત્કાલિક વન વિભાગના કર્મીઓ આગ બુજવવાના સાધનો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ વધુ વિસ્તારમાં પ્રસરી હતી જેથી આગ બુજાવવી મુશ્કેલ હતી. ત્યારે ભારે જહેમત બાદ વન વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. મહીસાગર જિલ્લા અવાર નવાર જંગલ વિસ્તારમાં આગ લાગતી હોય છે. અગાઉ પણ ખાનપુર તાલુકાના જંગલ વિસ્તાર અને સંતરામપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જેને વન વિભાગે કાબૂ મેળવ્યો હતો.