દુર્ઘટના@રાજકોટ: ભીલવાસ ચોક નજીકનાં કોમ્પ્લેક્સમાં 3 માળે અચાનક આગ ભભૂકી ઉઠી

આગ લાગતા ફાયરની 4 ગાડી દોડી આવી

 
દુર્ઘટના@રાજકોટ: ભીલવાસ ચોક નજીકનાં કોમ્પ્લેક્સમાં 3 માળે અચાનક આગ ભભૂકી ઉઠી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતો હોય છે. રાજકોટ શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરનાં ભીલવાસ ચોક નજીકનાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દવાનાં ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી એક ઓફિસમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતાં 4 જેટલા ફાયર ફાઈટરો સાથે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લગભગ એકાદ કલાકની જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે 2:15 વાગ્યા આસપાસ ભીલવાસ ચોકમાં આવેલા કોમ્પલેક્સનાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાનાં ગોટેગોટા નિકળવા લાગ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી. અંદાજે એકાદ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં ડાયપરનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબુ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી.


ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરે દિવ્ય ભાસ્કર સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અંદાજે 2:15 કલાકે ભીલવાસ ચોકમાં આવેલ કોમ્પ્લેક્સનાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેને પગલે 4 જેટલા ફાયર ફાઈટરો સાથે પોતે પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. દવાનાં ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી આ ઓફિસમાં ડાયપરનો મોટો જથ્થો હોવાને કારણે પાણી અંદર સુધી પહોંચાડવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. જોકે ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ આ આગ બપોરના સમયે લાગી હોવાથી આ ઓફિસમાં તેમજ આસપાસની ઓફિસોમાં કોઈ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જોકે ઓફિસમાં ડાયપર અને દવાઓનો મોટો જથ્થો હતો. જે બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આગ લાગવાના કારણ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.