દુર્ઘટના@અમદાવાદ: બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં ભયાનક આગ લાગી

ગોડાઉનમાં રહેલો સર-સમાન બળીને ખાખ
 
દુર્ઘટના@અમદાવાદ: બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં ભયાનક આગ લાગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. 

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ બની બાજુના કેમિકલ અને ઓઇલના ગોડાઉન સુધી પ્રસરી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સાથે જ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોવા મળ્યા હતા.


ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ, આજે સવારે 6 વાગ્યે શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલા બીઆરટીએસ વર્કશોપની પાછળના ભાગે કેમિકલ અને પ્લાસ્ટિકના ગોડાઉન આવેલા છે. તેમાં પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ લાગી હતી, જે પવન અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગા લાગ્યાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 30થી વધુ ફાયરના જવાનો 10થી વધુ ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ ગઈ હતી કે, ગોડાઉનની બાજુમાં આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉન તેમજ બળેલા ઓઇલના ગોડાઉનમાં પણ આગ પહોંચી ગઈ હતી.


ત્રણ ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. ચારેય તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી. આગની ઘટનામાં બળેલા ઓઇલનું ટ્રેડિંગનું ગોડાઉન, પ્લાસ્ટિકના અને સ્ક્રેપના ડ્રમ, ઓઇલ વગેરે બળીને ખાખ થયું હતું. સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટીંગ મશીન વગેરેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.