દુર્ઘટના@સુરત: પલસાણા કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના પલસાણા તાલુકામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પલસાણાના માખીગા ગામે આવેલી 'શ્રી બાલાજી કેમિકલ'કંપનીમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેમિકલ ભરેલા ટેન્કર સહિત અન્ય વાહનો પણ ખાખ થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે આશરે 10:30 વાગ્યે જ્યારે કંપની ચાલુ હાલતમાં હતી, ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. સ્થિતિને જોતા તાત્કાલિક ધોરણે અલગ-અલગ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી.
બારડોલી, કડોદરા, કામરેજ, સચિન-હોજીવાળા, નવસારી અને સુરત મહાનગર પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. 10થી વધુ ફાયર ફાઈટરો દ્વારા કેમિકલની આગ હોવાથી પાણીની સાથે ફોમ નો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેસીબી મશીનની મદદથી કંપનીની એક દીવાલ તોડવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા પલસાણા પોલીસ અને મામલતદાર સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ હોવાથી પોલીસે લોકટોળાને દૂર કરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ, બપોરે 2:30 વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હાલ ઘટનાસ્થળે કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે જેથી ફરીથી આગ ફાટી ન નીકળે.કેમિકલના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને કંપની પરિસરમાં ઉભેલા અન્ય વાહનોને પણ પોતાની ચપેટમાં લીધા હતા. આ અકસ્માતમાં એક કેમિકલ ભરેલું ટેન્કર, એક ટેમ્પો અને એક મોપેડ બળીને ખાખ થઈ ગયા છે.
આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર માટે પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં રહેલ કેમિકલ ભરેલા ડ્રમ, મશીનરી, માલસામાન બળીને ખાખ થયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે ડ્રમમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે કંપની સંચાલકને મોટું નુકસાન થયાની આશંકા છે.

