દુર્ઘટના@ગાંધીનગર: ડિવાઇડર સાથે એક્ટિવા અથડાતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
દુર્ઘટના@ગાંધીનગર: ડિવાઇડર સાથે એક્ટિવા અથડાતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય  છે.  ગાંધીનગરના ઉવારસદ બ્રિજ ઉપર 58 વર્ષીય વૃદ્ધે પોતાનું એક્ટિવા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ડિવાઇડર સાથે અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના ડભોડા અયોધ્યા નગર સોસાયટીમાં રહેતા હર્ષ પટેલના પિતા સુરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ છુટક ડ્રાઇવિંગ કામ કરતા હતા. કુડાસણની લેન્ડમાર્ક કોમ્પલેક્ષમાં આવેલ આર્યુમિન્સ નામની આર્યુવેદીક પ્રોડક્ટની દુકાનમાં કામ કરતો હર્ષ ગત. 24 મી રાત્રે મિત્રો સાથે દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો.

જ્યાંથી સાસણગીર ફરવા માટે ગયો હતો. ત્યારે ગઈકાલે 26 માર્ચે સવારના સાડા દશેક વાગે તેની માતા કલ્પનાબેને ફોન કરીને કહ્યું હતું કે, તારા પિતાને ઉવારસદ બ્રીજ ઉપર અકસ્માત થતાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. આ સાંભળી હર્ષ ગાંધીનગર આવવા માટે નીકળી ગયો હતો. ત્યારે ફરીવાર માતાએ ફોન કરીને જાણ કરેલી કે પિતાને અમદાવાદ સિવિલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જેનાં પગલે હર્ષ અમદાવાદ સિવિલ ગયો હતો. જ્યાં માલુમ પડયું હતું કે, પિતા સુરેશભાઈ સવારના આઠેક વાગ્યાના સુમારે ખોરજ ગામ ખાતે ડ્રાઇવિંગ કરવા ઘરેથી નિકળ્યા હતા. અને ઉવારસદ બ્રિજ ઉપર ઉતરતા તેઓનું એકટીવા બ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ ગયું હતું. જેનાં કારણે તેઓને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે રાતના આઠ વાગ્યાના અરસામાં સુરેશભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.