દુર્ઘટના@અમદાવાદ: ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં તેનો માલિક ઊછળીને 10 ફૂટ દૂર ફેંકાયો, માથું છૂંદાયું, એક હાથ ખભાથી છૂટો
એક હાથ ખભાથી છૂટો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે. બપોરના 1:13 વાગ્યાની આસપાસના સમયે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત એસ્ટેટના ગોડાઉન અને ફેક્ટરીઓમાં કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન જ સૌથી છેલ્લી લાઈનમાં આવેલા 75 નંબરના બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીના ગોડાઉનમાં એક જોરદાર ધડાકો થયો હતો. ત્યાર બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડીને બહાર આવે છે અને જુએ છે તો 75 નંબરના ગોડાઉનના માલિક અને તેનો કારીગર બહાર ઊછળીને લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. સ્થાનિક લોકોએ જોયું તો કારીગર પવન કુમાર થોડું હલનચલન કરી રહ્યો હતો, તેને ઊંચો કરીને સાઇડમાં મૂક્યો. જોકે થોડીવારમાં જ તેનું મૃત્યુ થયું હતું.
અરિહંત એસ્ટેટમાં આવેલા 75 નંબરના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે 75 નંબરનું ગોડાઉનમાં જે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ હતો. એનો ઉપરનો માળ આખો પડીને ધરાશાયી થઈ ગયો હતો. ગોડાઉનમાં એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો કે તેના માલિક રમેશભાઈ પટેલ ગોડાઉનમાંથી ઊછળીને બહાર ફેંકાયા હતા. ગોડાઉનમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રમેશભાઈ ઊછળીને 10 ફૂટ દૂર ફેંકાયા હતા અને તેમના કપડાં પણ ફાટી ગયાં હતાં. જ્યારે તેમનું માથું આખું છૂંદાઇ ગયું હતું તો તેમનો એક હાથ શરીરથી અલગ થઈને દૂર પડ્યો હતો.
બ્લાસ્ટ બાદ ગોડાઉનનું શટર સામેના ભાગે આવેલા 56 નંબરના ગોડાઉનમાં પડ્યું હતું. તો અન્ય સમાન સામેની બાજુએ આવેલા 57 નંબરના ગોડાઉનમાં ઊછળીને પડ્યો હતો તેમજ બાજુમાં આવેલા 74 નંબર અને 76 નંબરના ગોડાઉનનો આગળનો ભાગ પણ તૂટી ગયો હતો. જોકે ગોડાઉનમાં ગેસના પાંચથી વધુ બાટલા પણ અંદર હતા, એને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરના માળ અને નીચેના માળ બંને આખા તૂટીને નીચે પડ્યા હતા. કાટમાળ પણ બહાર સુધી આવી ગયો હતો એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.
74 નંબરના ગોડાઉનમાં કામ કરતા અને ઘટનાને પ્રત્યક્ષ જોનારા નલિનભાઈ મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું મશીન પર કામ કરતો હતો અને અચાનક જ જોરદાર ધડાકો થયો હતો. અને ગરમ વરાળ બહાર નીકળી રહી હતી. થોડીવારમાં જોયું તો જોરદાર આગ લાગી હતી. હું ખૂણામાં હતો એટલે બચી ગયો. અચાનક જ ઉપરથી બધું નીચે પડ્યું અને એક વ્યક્તિ દટાઈ ગઈ, તેને પરાણે અમે બહાર કાઢી. ખૂબ જ જોરદાર અવાજ થયો અને આ ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાઉડર કોટિંગ કરવામાં આવતું હતું, જેમાં કમ્પ્રેશરમાં કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોમ્પ્રેશરમાં પ્રેશર થતાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. એ બાદ આગ લાગી હતી. જોકે આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારે આ ઘટનામાં ગોડાઉનના માલિક અને ત્યાં કામ કરતાં એક કારીગરનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે 3 લોકોને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.