દુર્ઘટના@અમદાવાદ: નવી પોલીસ કમિશનર કચેરીનાં ઉદઘાટન માટે બનાવેલો ડોમ પડ્યો, 3 મજૂરો ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. નવી પોલીસ કમિશનર કચેરીનાં ઉદઘાટન માટે બનાવેલો ડોમ પડ્યો. અમદાવાદ શહેર પોલીસની નવી પોલીસ કમિશનર કચેરી ઉદઘાટન થતાં પહેલાં વિવાદોમાં આવી રહી છે. નવી પોલીસ કમિશનર ઓફિસના કમ્પાઉન્ડમાં પોલીસ કર્મચારીના આપઘાતની ઘટના બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવી પોલીસ કમિશનર કચેરીના ઉદઘાટન પહેલાં જ ઉદઘાટન સમારોહ માટે બનાવવામાં આવી રહેલો વિશાળ ડોમનો કેટલોક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. ડોમનો ભાગ ધરાશાયી થતાં3 જેટલા મજૂરો દટાયા હતા. હાજર પોલીસ કર્મચારીઓએ દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. તેઓને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં નવી પોલીસ કમિશનર ઓફિસ તૈયાર કરવામાં આવી છે. જેનું ત્રીજી ઓક્ટોબર એટલે કે, નવરાત્રિના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થવાનું છે. કેન્દ્રીય ગૃહમંત્રીના ઉદઘાટન સમારોહના કાર્યક્રમ માટે નવી પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં જ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આજે સવારના સમયે અચાનક જ એક ડોમનો ભાગ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ જેટલા મજૂરો ઉપર ડોમ પડ્યો હતો. જેના કારણે તેઓને ઈજા થઈ હતી.
ડોમ પડવાની ઘટના બનતા ત્યાં કેટલાક પોલીસ કર્મચારીઓ હાજર હતા. તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. મજુરોને ઈજા થતા 108 મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.3 મજૂરોને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. નવી પોલીસ કમિશનર ઓફિસના ઉદ્ઘાટન થવાની પહેલાં જ દુર્ઘટનાઓ સામે આવી છે. જે મજૂરો કામ કરી રહ્યા હતા તેઓને વ્યક્તિના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ એમજ કોઈ કોન્ટ્રાક્ટરના સુપરવિઝન હેઠળ યોગ્ય રીતે કામગીરી થતી હતી કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.
નવી પોલીસ કમિશનર ઓફિસના ઉદ્ઘાટનને લઈને હવે ચર્ચા જાગી છે કે, ઉદ્ઘાટન થાય તેની પહેલાં જ નાની મોટી દુર્ઘટનાઓ બની રહી છે. 15 ઓગસ્ટના રોજ એક પોલીસ કોન્સ્ટેબલે પોતાની રાઇફલ વડે નવી પોલીસ કમિશનર ઓફિસમાં જ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કર્યાના બે દિવસ પહેલાં જ તેઓને નવી પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ માટે મૂકવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓએ બે દિવસમાં જ પોલીસ કમિશનર કચેરીમાં આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ હવે જ્યારે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદઘાટન થવાનું છે, ત્યારે વિશાળ ડોમ બનાવવા જતા તેનો ભાગ ધરાશાયી થતાં મજૂરોને ઇજા થવાની ઘટના બની છે.