દુર્ઘટના@અમરેલી: બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત

મૃતકોમાં 2 મહિલા
 
દુર્ઘટના@અમરેલી: બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. હાલમાંજ હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.  અમરેલી જિલ્લાના બગસરા-જેતપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ જતી ખાનગી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ બસમાં કુલ 35 લોકો સવાર હતા અને એ કંકુપગલાંના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા.


આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અમરેલીથી 35 મુસાફર ભરી શ્યામ ટ્રાવેલ્સની બસ વિસાવદર તરફ જઇ રહી હતી, ત્યારે બગસરા-જેતપુર હાઇવે પર બગસરા શહેરથી ત્રણ કિલોમીટર દૂર બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ પલટી ગઇ હતી, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


આ ઘટના સમયે જૂનાગઢ અને અમરેલી ઇલેક્શન ઓબ્ઝર્વર આઇપીએસ અધિકારી નઝીમ ભાસિન અહીંથી પસાર થઇ રહ્યા હતા, જેમણે તાત્કાલિક ગાડી ઊભી રાખી કેટલાક વધુ ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે એ માટે તરત હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાર બાદ બગસરા PI કે.બી.જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.


સ્થાનિકો અને પોલીસ તંત્રએ ઇજાગ્રસ્ત લોકોને 108 અન્ય એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ, બગસરા અને અમરેલીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો, જેને પોલીસે ખુલ્લો કરાવીને અકસ્માત સર્જનાર ડ્રાઇવરને રાઉન્ડઅપ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ બસમાં સવાર લોકો કંકુપગલાંના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા.


આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જેમાં 60 વર્ષીય ગીતાબેન હસમુખભાઈ અને આરતીબેન હિરેનભાઈનો સમાવેશ થાય છે અને બાળકો, મહિલાઓ, યુવાનો સહિત 16 જેટલા લોકોને નાના-મોટી ઇજાઓ પહોંચી છે.