દુર્ઘટના@ડાંગ: KTM બાઈક સામેથી આવતા આઈસર ટેમ્પા સાથે ટકરાયું, 1નું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતોના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના ભયાનક બનાવો સામે આવતા હોય છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ઘોડવહળ ગામનાં યુવકોમાં પ્રદીપ ક્રિષ્નાભાઈ ચૌધરી અને દિનેશ રામચંદ્રભાઈ જાદવની કે.ટી.એમ.ડુક બાઈક પર સવાર થઈ સાપુતારા કામ અર્થે ગયા હતા.
આ યુવકો કામ પુરૂ કરી સાપુતારાથી પોતાની બાઈક પર સવાર થઈ પરત ઘોડવહળ ગામ જઈ રહ્યા હતા. ત્યારે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં સામેથી ચડી રહેલ આઈસર ટેમ્પો સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવમાં બાઈક પર પાછળ બેસેલ યુવક નામે દિનેશ રામચંદ્રભાઈ જાદવને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. જ્યારે બાઈક ચાલક યુવાન પ્રદીપ ક્રિષ્ના ચૌધરીને નજીવી ઈજાઓ પહોંચવાની સાથે તેનો ચમત્કારિક બચાવ થયેલ છે. આ અકસ્માતના બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ મથકના PI આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ ડી.પી.ચુડાસમાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.