દુર્ઘટના@સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં 12મા માળે અચાનક ભયાનક આગ લાગી, કરોડોના નુકસાનની આશંકા

કાપડ માર્કેટમાં આગ લાગી હોવાથી કાપડનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાની આશંકા છે,
 
દુર્ઘટના@સુરત: ટેકસટાઇલ માર્કેટમાં 12મા માળે આગ, કરોડોના નુકસાનની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેના પગલે તુરંત જ એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 6 ફાયર સ્ટેશનોની 12થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જો કે, કરોડોનો માલસામાન આગમાં ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે.

આગ પર કાબૂ મેળવવા માટે 6 ફાયર સ્ટેશનની 12થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની જાણ થતાં જ વેપારીઓ અને ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સૌ પ્રથમ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી અને સલામત સ્થળે ખસી ગયા હતા.

કાપડ માર્કેટમાં આગ લાગી હોવાથી કાપડનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાની આશંકા છે, જેના કારણે કરોડો રૂપિયાના માલસામાનને નુકસાન થવાનો ભય છે. હાલમાં, ફાયર વિભાગના જવાનો યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહ્યા છે અને આગ વધુ ન ફેલાય તે માટે પ્રયાસો ચાલુ છે. સદભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગથી થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ લગાવી શકાશે.

ફાયર ઓફિસર દિનુ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર, કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના બારમાં માળે દુકાનો ભેગી કરીને એક મોટા ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં મોટી સંખ્યામાં કાપડના મોટા રોલ મૂકવામાં આવ્યા હતા. અચાનક આગ ફાટી નીકળતા આફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ લાગવાના પગલે તાત્કાલિક તમામ વેપારીઓ અને કામદારો નીચે ઉતરી ગયા હતા. ફાયર વિભાગને કોલ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગળ પ્રસરતિ અટકાવવામાં આવી હતી. હાલ વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.