દુર્ઘટના@ગાંધીનગર: ટ્રક અને બાઇક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત

રસ્તાની સાઈડમાં ચાલી રહેલી બાઈક અચાનક વચ્ચે આવી ગઈ
 
દુર્ઘટના@ગાંધીનગર: ટ્રક અને બાઇક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 વ્યક્તિનું કમકમાટી માર્યું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાન દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ગાંધીનગરના દહેગામ-રખિયાલ હાઈવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બાઈકસવાર સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. રસ્તાની એક સાઈડમાં જઈ રહેલા સિક્યોરિટી ગાર્ડે બાઈક પરનો કાબૂ ગુમાવતાં બાઈક રસ્તાની વચ્ચે આવી ગઈ હતી. આ સમયે જ પાછળથી આવી રહેલી ટ્રક નીચે આવી જતાં સિક્યોરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગાંધીનગરના ધોળાકૂવા ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ભૂપતસિંહ ઝાલા પોતાની નોકરી પૂર્ણ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. દહેગામ-રખિયાલ હાઈવે પર નાકોડા ઈન્ડસ્ટ્રીઝ નજીકથી પસાર થતી સમયે ભૂપતસિંહે અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો. રસ્તા પર લેફ્ટ સાઈડમાં જઈ રહેલા ભૂપતસિંહે અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતાં બાઈક રસ્તાની સાઈડમાં પડેલી કપચીના ઢગલા પર ચડી જતાં બેકાબૂ બની હતી. બેકાબૂ બનેલી બાઈક રસ્તાની વચ્ચે આવી જતાં પાછળથી આવી રહેલી ટ્રક માથે ફરી વળી હતી. અકસ્માતમાં ભૂપતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ભૂપતસિંહ ઝાલા ગાંધીનગરના ધોળાકૂવા ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. 46 વર્ષીય ભૂપતસિંહ નોકરી પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન દહેગામ-રખિયાલ હાઇવે પરની ઈન્ડસ્ટ્રીઝ સામેના રોડ ઉપર અચાનક બાઈક સ્લિપ થઈ ગઈ હતી. એ દરમિયાન અત્રેના રોડ પરથી પસાર થતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે ભૂપતસિંહ ટ્રક નીચે આવી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નરેંદ્રની ફરિયાદના આધારે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.