દુર્ઘટના@ગાંધીનગર: 7 વર્ષીયનું બાળક ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યુ

બાળક રમતાં રમતાં ગટરમાં પડ્યું
 
દુર્ઘટના@ગાંધીનગર: 7 વર્ષીયનું બાળક ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. ગાંધીનગરના ઝૂંડાલ કે ડી હોસ્પિટલની સામે રાજસ્થાન જવા માટે વાહનની રાહ જોઈને ઊભેલાં માતા-પિતાની જાણ બહાર રમી રહેલા આશરે 7 વર્ષીય પુત્રનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા કિશોરની લાશ બહાર કાઢવામાં આવી છે. માતા-પિતા રાજસ્થાન જવા માટે કે ડી હોસ્પિટલની સામેના હાઇવે રોડ ઉપર વાહનની રાહ જોઈને ઊભાં હતાં. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું.

અમદાવાદના ગોતા ખાતે રહેતા ધર્મેશભાઈ ધોબી કેટલાંક વર્ષોથી અહીં પોતાની પત્ની અને દીકરા દેવાંશ (ઉં. 7,આશરે) સાથે રહે છે. કપડાં ઈસ્ત્રી કરીને પેટીયું રળતા ધર્મેશભાઈની સાસરી રાજસ્થાન થાય છે. મોડી સાંજે રાજસ્થાનથી મેસેજ આવ્યો હતા કે, તેમના સસરાનું આકસ્મિક અવસાન થયું છે. જેનાં પગલે માતા-પિતા દીકરા દેવાંશને લઈને રાજસ્થાન જવા માટે નીકળ્યાં હતાં. માતા-પિતા રાજસ્થાન જવા માટે ઝૂંડાલ કે ડી હોસ્પિટલની સામે હાઇવે ઉપર આવીને વાહનની રાહ જોઈ રહ્યાં હતાં. આ દરમિયાન દેવાંશ બાળ સહજ સ્વભાવે રમી રહ્યો હતો.


એક તરફ માતા-પિતા રાજસ્થાન પહોંચવા વાહનની રાહ જોઈ રહ્યાં હતાં. બીજી તરફ દેવાંશ તેની રમતમાં મશગૂલ હતો. ત્યારે રાજસ્થાનની બસ આવતાં માતા-પિતા બસમાં ચઢી ગયાં હતાં. ત્યારે અચાનક દેવાંશ જોવા નહીં મળતા બંનેને ફાળ પડી હતી. બન્ને બસની નીચે ઊતરી દીકરાની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ વખતે તેમની નજર જ્યાં ઊભેલા તેની નજીક ખુલ્લી ગટર પર પડી હતી. આથી તેમને શંકા ગઈ હતી.

આ ઘટના અંગે જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ગટરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે ભારે જહેમત પછી દેવાંશને મૃત હાલતમાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે માતા-પિતા ઉપર આભ તૂટી પડ્યું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.