દુર્ઘટના@ગોંડલ: બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં

 કલાકો બાદ અકસ્માતમાં મોતને ભેટ્યો.
 
દુર્ઘટના@ગોંડલ: બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ગોંડલના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવના મંદિર પાસે ગતરાત્રે 10:00 વાગ્યાની આસપાસ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકમાં સવાર સરધારપુર અને નવાગઢના બે મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. અકસ્માતની ઘટનાને લઈને 108 અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં સરધારપુરના એક યુવકે સાંજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં "કેવો દિવસ રે ઊગ્યો, સાંજ પડી પણ મારો ભાઈ ઘેર ના વળ્યો" એ ગીત પર સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું અને કલાકો બાદ અકસ્માતમાં મોતને ભેટ્યો.

ગોંડલ તાલુકાના કમઢીયા ગામ પાસે આવેલ મામાદેવના મંદિર પાસે જેતપુરના નવાગઢ ગામના બે મિત્રો હિતેશ હરિભાઈ મકવાણા અને પ્રકાશ ભોવાનભાઈ મેણીયા (ઉ.વ.20, રહે. સરધારપુર) બન્ને મામાદેવ મંદિરે દર્શન કરવા જતાં સમયે મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નવાગઢ અને સરધારપુરના બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બાઈક ચાલક બાઈક મૂકી ફરાર થયા હતા. ગોંડલની 108 એમ્બ્યુલન્સને પોણા અગિયાર આસપાસ જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ કિશનભાઈ અને Emt કાનજીભાઈ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી બન્ને મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં મોત થનાર પ્રકાશે ગઈકાલે સાંજે 6 વાગ્યે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં એક બાઈક રોડ પર પડ્યું છે. ત્યારબાદ સ્પીડોમીટરનો વીડિયો આવે છે અને તેમાં એક ગીત મુકવામાં આવ્યું છે. "રામ એ દહાડે કેવો દિવસ રે ઉગ્યો... દિવસ રે ઉગ્યો.. સાંજ પડી પણ ભાઈ મારો ઘેર ના વડ્યો... ઘેરના વડ્યો.." આ ગીતનું સ્ટેટ્સ જોવા મળ્યું હતું.

બન્ને મૃતક યુવાનો નવાગઢ અને સરધારપુર રહે છે અને ડાઇંગના કારખાનામાં છૂટક મજૂરી કામ કરે છે. મૃતક હિતેશ હરિભાઈ મકવાણા (ઉ.વ.17)ને પરિવારમાં બે ભાઈઓમાં સૌથી નાના હતા અને પ્રકાશ ભવનભાઈ મેણીયા (ઉ.વ. 20) માતા-પિતા અને બે ભાઈઓમાં સૌથી નાના હતા. અન્ય બાઈક ચાલકને પકડી પાડવા સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.