દુર્ઘટના@ગુજરાત: સ્કોર્પિયો ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રાવેલ્સ સાથે અથડાઈ, 2નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. શંખેશ્વર બસ સ્ટેશન સામે સોમવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઊભેલા ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 4 મિત્રો પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે હાલ સારવાર હેઠળ છે.
મૃતકોમાં શંખેશ્વર તાલુકા સરપંચ ડી.કે. ગઢવીના પુત્ર દીક્ષિત ગઢવી અને બ્રિજેશ ડાભીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય મિત્રો મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સરપંચના પુત્રના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.