દુર્ઘટના@ગુજરાત: ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ, 3 લોકોનાં મોત

માતાના મઢના યાત્રિકોના ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા.
 
દુર્ઘટના@ગુજરાત: ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ, 3 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પરના નવા અને જૂના કટારિયા પાટીયા વચ્ચેના માર્ગે આજે બપોરે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. માતાના મઢના યાત્રિકોના ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું.

બનાવમાં હજુ પણ 3 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બે થી ત્રણ જણને હળવીથી ભારે ઇજા પહોંચતા તેમની સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હતભાગી લોકો માતાના મઢેથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેચી તા. હળવદ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતના પગલે સામખિયાળી અને લાકડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સૂરજબારી ટોલની હાઇવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિકને બાજુના માર્ગે વાળી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે અરસામાં નવા અને જૂના કટારીયા વચ્ચેના હોટેલ એકતા સામેના ધોરીમાર્ગ પરથી મોરબી તરફ આગળ જતાં ટ્રેક્ટરને પાછળથી જતી ટ્રકે ઠોકરે ચડાવતા ટ્રોલીમાં સવાર યાત્રિકો હવામાં ફંગોળાઈને જમીન ઉપર પટકાયા હતા.

ગોઝારા અકસ્માતમાં 3 હતભાગીના મૃત્યુ થયા હતા જ્યારે 7 જેટલા લોકોને હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી, ઘાયલોને સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. યાત્રિકોમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. અકસ્માતના પગલે હાઇવે માર્ગ પીડા અને ભયથી કંણસતા લોકોની બુમાબૂમથી ગાજી ઉઠતા કરુણ વાતાવરણ સર્જાયું હતું. બનાવ અંગે સામખીયાળી અને લાકડીયા બન્ને પોલીસ પ્રાથમિક તપાસમાં પરોવાઈ છે.