દુર્ઘટના@ગુજરાત: અર્બન હેલ્થ સેન્ટરમાં ભયાનક આગ લાગતા દવાઓ બળીને ખાખ

દવાઓ બળીને ખાખ થઇ

 
દુર્ઘટના@ગુજરાત: અર્બન હેલ્થ સેન્ટરમાં ભયાનક આગ લાગતા દવાઓ બળીને ખાખ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે. શહેરની મધ્યમાં આવેલા શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં રવિવારે બપોરે આગ લાગતા દોડધામ મચી હતી. ભરચક વસ્તીની વચ્ચે જર્જરીત મકાનમાં કાર્યરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું અર્બન હેલ્થ સેન્ટર રવિવારની રજાને પગલે બંધ હતું. ત્યારે આગ લાગવાની ઘટના બની હતી. બનાવ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગ સ્ટોર રૂમમાં લાગી હતી. દવાના પુઠાના ખોખા બળીને ખાખ થઇ ગયા છે. જોકે વાસ્તવમાં મોટી સંખ્યામાં દવાનો જથ્થો સળગી ગયો હોવાનું સ્થાનિક કોર્પોરેટર અને લોકોએ જણાવ્યું છે.

શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલી ચાર રૂમો પૈકી એક રૂમમાં શરદી ખાંસીની દવાના બોક્સ અને રૂટિન દવાઓનો સંગ્રહ કરવામાં આવતો હતો. જેમાં બપોરે અંદાજે ચાર વાગ્યાના અરસામાં આગ લાગી હતી. 200 જેટલી કફ સીરપની બોટલો આગની ઝપટમાં આવતા ધુમાડાના ગોટાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આગ વધુ ફેલાય તે પહેલા તેને કાબુમાં લેવામાં આવી હતી . ફાયર બ્રિગેડ મુજબ આગ લાગવાનું કારણો જણાયું નથી. નોંધનિય છે કે, રવિવારની રજા હોવાને કારણે અર્બન હેલ્થ સેન્ટર બંધ હતું માટે કોઇપણ પ્રકારની જાનહાની ટળી ગઇ હતી. સેન્ટર ચાલુ હોત તો ભાગદોડ મચવાની સંભાવના હતી.


પાલિકાના આરોગ્ય વિભાગ મુજબ 3 વર્ષથી ફતેપુરા અને શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર નવું બાંધવા બાંધકામ વિભાગ ટેન્ડર કરે છે પરંતુ કોઈ ટેન્ડર ભરતું નથી. તેથી રિટેલ કરવું પડે છે. અમે તેને અન્યત્ર ખસેડવાના છે. કોર્પોરેટર બાળુ સર્વેએ જણાવ્યું કે, 3 કરોડના ખર્ચે દર વર્ષે બજેટમાં આ કામ લેવાય છે મંજૂર થયું છે પરંતુ થતું નથી.

 એમજીવીસીએલે તપાસ કરી જણાવ્યું છે કે,આગ શોર્ટ સર્કિટથી નથી લાગી. મોટુ નુકસાન નથી. દવાઓ કેટલી બચી તે ગણતરી કરવાની છે. આગના કારણોની પણ તપાસ થશે. > ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર જર્જરીત મકાનમાં કાર્યરત અર્બન હેલ્થ સેન્ટર અગાઉ પણ વિવાદમાં આવ્યું છે. તેમાં કોન્ટ્રાક્ટના કર્મચારીનીદારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થતાં મહિનાઓ બાદ વિભાગે તપાસ કરાવી કર્મચારી સામે કાર્યવાહી કરી હતી.