દુર્ઘટના@હારીજ: ખેતરેથી ઘરે જતાં ડમ્પરની અડફેટે પતિ-પત્નિનું મોત, ગામમાં શોકનો માહોલ
અટલ સમાચાર ડોટ કોમ, હારીજ
કોરોના કહેર વચ્ચે હારીજ તાલુકાના ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. વિગતો મુજબ આજે સવારના સમયે ખેતરેથી મજુરી કરી પરત પોતાના ઘરે જઇ રહેલાં દંપતિને એક બેફામ ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ દંપતિને ત્રણ બાળકો હોઇ માતા-પિતાના મોત બાદ બાળકો નોંધારા બન્યા છે. સમગ્ર મામલે હારીજ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના રોડા ગામ નજીક અકસ્માતી ઘટના સામે આવી છે. આજે શુક્રવારે ધધાણા ગામના ડાભી વાસમાં રહેતાં ઠાકોર લખાજી શંકરજી પોતાના પરિવાર સાથે હારીજનાં રોડા ગામે ખેતી કામ કરવા ગયા હતા. જ્યાં રોડા ગામના બસ સ્ટેશનથી તેઓ પોતાની પત્ની સાથે ચાલીને આવતા હતા. આ દરમ્યાન બેફામ સ્પિડે આવી રહેલા ડમ્પર ગાડીનાં ચાલકે પતિ-પત્નીને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે લખાજી શંકરજી ડાભી અને તેમની પત્નિનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માત કરી ડમ્પરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મુકી નાસી છુટ્યો હતો. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યાં અકસ્માતની જાણ પોલીસને થતાં જ તાત્કાલિક દોડી આવી બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી. આ સાથે ફરાર ચાલકને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. આ તરફ બંને પતિ-પત્નિના મોતથી પરીજનો સહિત ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.