દુર્ઘટના@અમદાવાદ: વાસણા અને હેબતપુરમાં ભારે વાહનથી 2 અકસ્માતની ઘટના બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદ શહેરના વાસણા અને હેબતપુરમાં સોમવારે ભારે વાહનથી બે અકસ્માતની ઘટના બનવા પામી હતી. હેબતપુરમાં એક્ટિવા પર માતા પુત્રી પસાર થતા હતા ત્યારે એક સિમેન્ટ કોંક્રિટ મિક્સર વાહને ટક્કર મારતા સ્થળ પર જ માતા અને પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે વાસણામાં એક મહિલા ફુટપાથ પર સુતી હતી.
ત્યારે રોડ પરની સફાઇ કરતા મશીન વાળુ એએમસીનું વાહન ત્યાંથી પસાર થતું હતું. ત્યારે સફાઇ દરમિયાન ટાયર નીચે એક મોટો પથ્થર આવી જતા વાહનનું ટાયર ફુટપાથ પર ચઢી જતાં ત્યાં સુતેલી એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પતિને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખેસડ્યો હતો.
અમદાવાદમાં ભારે વાહનોથી સર્જાતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારે થઇ રહ્યો છે. ભારે વાહનચાલકો સામે તવાઇ લાવવાની જગ્યાએ ટ્રાફિક પોલીસ છૂપા આશીર્વાદ રાખીને આવા ચાલકો અને વાહનોના માલિક પાસેથી તગડી કમાણી કરી રહી છે. જેના કારણે ભારે વાહનચાલકો અને તેમાંય ખાસ ડમ્પરચાલકો બેફામ બન્યા છે અને રોડ પર પૂરઝડપે વાહન હંકારી લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.
સ્વીપર મશીન વાહનથી મહિલાનું મોત
પ્રમીલાબેન હકજી ડામોર (ઉ.39) પતિ હકજી ડામોર સાથે વાસણા જી.બી. શાહ કોલેજ પાસે ફુટપાથ પર રહેતા હતા. પ્રમીલાબેન મજૂરી કામ કરતા હતા. રાત્રે તેઓ પતિ સાથે ત્યાં ફુટપાથ પર સુતા હતા. ત્યાં આસપાસમાં અન્ય ચારેક લોકો પણ સુતા હતા. ત્યારે સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે એક સ્વીપર મશીન વાહન દ્વારા સફાઇ ચાલી રહી હતી. આ વાહનનો ચાલક સફાઇ કરતો હતો ત્યારે ટાયર નીચે પથ્થર આવતા તેનું ટાયર ફુટપાથ પર ખસી ગયું હતું. જેથી ત્યાં સુતેલા પ્રમીલાબેન અને તેમના પતિ અડફેટે આવી ગયા હતા. પ્રમીલાબેન પર ટાયર ફરી વળતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ હકજીને ઇજાઓ થઇ હતી. સમગ્ર મામલે એમ ડિવિઝન પોલીસે પપ્પુ પારગી નામના ચાલકની ધરપકડ કરી હતી.
મિક્સર વાહનની ટક્કરથી માતા-પુત્રી રોડ પર પટકાયા હતા
ભાડજમાં રહેતા 40 વર્ષીય માલવિકાબેન કિરણભાઇ ગૌસ્વામી 7 વર્ષીય પુત્રી જ્હાનવી સાથે ઘરેથી નીકળીને બોપલ કોઇ કામઅર્થે એક્ટિવા પર જતા હતા. હેબતપુર કટ પાસે માતા પુત્રી પહોંચ્યા ત્યાં જ એસપી રિંગ રોડ પર પૂરઝડપે એક સિમેન્ટ કોંક્રિટ મિક્સર વાહન આવ્યું અને માલવિકાબેનના એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ માતા પુત્રી રોડ પર પટકાયા અને માથામાં ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નિપજ્યું હતું. માલવિકાબેનના પતિને આ બાબતે જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં પોલીસે પૂછપરછ કરતા કિરણભાઇ ડોક્ટરની ગાડી ડ્રાઇવિંગ કરે છે અને માલવિકાબેન પુત્રી સાથે કોઇ કામઅર્થે બોપલ જતા હોવાનું જણાવ્યું હતું. ઘટના બાદ વાહનચાલક વાહન મૂકીને ફરાર થઈ જતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોટલિયા ચાર રસ્તા પાસે આધેડનું મોત
સરસપુરમાં રહેતા 54 વર્ષીય શંકરભાઇ પરમાર તેમના મિત્ર સાથે ચાલીના નાકે બેઠા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે એક વાહનના ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઇજાઓના કારણે તેમને સારવાર અર્થે ખેસડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
ઘોડાસરમાં રહેતા મહેશભાઇ વ્યાસ નિવૃત્ત કલેક્ટર છે. બે દિવસ પહેલાં તેઓ પત્ની સાથે સંબંધીના ઘરે જતા હતા. ત્યારે એક લક્ઝરી બસના ચાલકે તેમની ગાડીને ટક્કર મારતા જી ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્ત્વનું છે કે શહેરમાં ડમ્પર તેમજ ભારે વાહનો દ્વારા રોજેરોજ અકસ્માત સર્જાતા હોય છે. આવા ભારે વાહનોના માલિક કે ચાલકો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. બેફામ રીતે ચાલતા મોટા વાહનો અકસ્માત સર્જે છે તેમાં ઘણા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે તો અમુકના મૃત્યુ પણ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસ સતત સેટિંગ કરીને નાણાં કમાવવાની લ્હાયમાં આવા ભારે વાહનોની પરમિટ આપતા ચાલકો શહેરમાં પ્રવેશે છે અને તેમના પાપે કેટલાય ઘરના માળા વિખેરાઇ જાય છે.