દુર્ઘટના@મોરબી: રોડ ક્રોસ કરી રહેલા યુવકને પુરપાટ વેગે આવતા કન્ટેનરે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ભયાનક દુર્ઘટનાના કેટલાક બનાવો જોવા મળતા હોય છે. હાલમાંજ મોરબી તાલુકાના એક ગામમાંથી ભયાનક દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે. ટિબડી ગામે રોડ ક્રોસ કરી રહેલા રાજસ્થાની યુવકને પુરપાટ વેગે આવતા કન્ટેનરે હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રાજસ્થાનમાં રહેતા મૃતકના ભત્રીજા વિક્રમભાઈ જગદીશભાઈ મીનાએ આરોપી કન્ટેનર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા-૩૦/ ૧૦ નાં રોજ રાજસ્થાનથી વિક્રમભાઈના કાકા કાકા મુકેશભાઈ રામદેવા મીના ટ્રક ડ્રાઈવર ખાનારામ તેજમલ સાથે તેના ટ્રક R-52-GA-829માં માટી પાવડર ભરી ગુજરાતના મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ કંપનીમાં ૦૧ રાત્રીના આશરે બે વાગ્યે પહોંચેલ અને ત્યાં ગાડી રાખી બંને સુઈ ગયા હતા.
બપોરના આશરે ચારેક વાગ્યે કંપનીમાં ગાડી ખાલી કરી બાદ ગાડી લઈને મોરબી માળિયા હાઈવે ઉપર ટિબડી ગામના પાટિયા આગળ અશ્વમેઘ હોટેલ સામે હાઈવે રોડની બાજુમાં ખાનારામે ટ્રક પાર્ક કર્યો હતો. અને મુકેશભાઈને સામેની બાજુએ આવેલી ઓફિસમાં પહોંચ લેવા માટે મોકલ્યા હતા.
જેથી મુકેશભાઈ રોડ ક્રોસ કરી સામેની બાજુએ જતા હતા એ સમયે આરોપી કન્ટેનર GJ-12-BZ-3074ના ચાલકે પોતાનું કન્ટેનર પુરપાટ વેગે હંકારતા મુકેશભાઈને હડફેટે લીધા હતા. જેને પગલે મુકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને આરોપી કન્ટેનર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.