દુર્ઘટના@પાલનપુર: અધૂરા કામે જ બ્રિજનો ભાગ તૂટ્યો, જીવ બચાવવા દોડ્યાં છતાં મોત મળ્યું, ચારેકોર ભ્રષ્ટાચારના રાફડાની બૂમ

નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ ધડાકા ભેર તૂટી પડ્યો
 
દુર્ઘટના@પાલનપુર: અધૂરા કામે જ બ્રિજનો ભાગ તૂટ્યો, જીવ બચાવવા દોડ્યાં છતાં મોત મળ્યું, ચારેકોર ભ્રષ્ટાચારના રાફડાની બૂમ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર શહેરમાંથી એક ચોંકાવનારા અને હચમચાવી મૂકતી દુર્ઘટના સામે આવી છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા મોટા બ્રિજની કામગીરી હાથ ધરાયેલી છે ત્યારે અચાનક નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ ધડાકા ભેર તૂટી પડ્યો છે. પાલનપુરના RTO સર્કલ પાસે બ્રિજનો સ્લેબ તૂટી પડતાં શરૂઆતમાં કોઈ જાનહાનિ નથી તેવું જાણવાં મળ્યું પરંતુ પાછળથી ખળભળાટ મચાવી મૂકતાં સમાચાર આવ્યા કે, જીવ બચાવવા દોડેલા ગરીબ જ દબાઇ ગયા છે. સ્લેબ પડ્યો ત્યારે રીક્ષા સાથે 2 વ્યક્તિ દટાઇ જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે. આ તરફ જાગૃત નાગરિકોમાં અને વિપક્ષ નેતાઓમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો શરૂ ત્યારે ગાંધીનગરથી બ્રિજની ગુણવત્તા ચકાસવા સ્પેશિયલ ટીમ પહોંચી ગઈ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના આરટીઓ સર્કલ પાસે કેટલાક સમયથી એક મહાકાય બ્રિજની કામગીરી ચાલતી હતી. આ બ્રિજનો કેટલોક ભાગ બની તો કેટલુક કામ બાકી પણ હતું. જોકે કેટલાક ભાગમાં આજે કામ ચાલતું નહોતું ત્યારે રાહદારીઓ, વાહનચાલકો અને પગપાળા લોકો પસાર થતાં હતા. આ દરમ્યાન આજે બપોરે બ્રિજનો કેટલોક હિસ્સો અચાનક તૂટી પડીને જમીન ઉપર ધરાશાયી થયો હતો. આ ઘટના જેવી બની કે, સમગ્ર પાલનપુર શહેરમા વાયુવેગે પ્રસરી ગઇ પરંતુ જાનહાનિના સમાચાર નહિ આવતાં મામલો ગંભીર નહોતો બન્યો. જોકે બ્રિજ તૂટ્યો એ વખતે રિક્ષા ચાલક સહિતના જીવ બચાવવા દોડ્યાં હોવાના વિડિયો આવતાં ખળભળાટ મચી ગયો છે. તાત્કાલિક ક્લેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિગતો જાહેર કરી કે, પુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ છે, અને ગાંધીનગરથી ક્વોલિટી તપાસની ટીમ આવીને જે રીપોર્ટ બનાવશે તેના આધારે ખ્યાલ આવશે. તો બીજી તરફ તાત્કાલિક અસરથી રીક્ષા ચાલક સહિતના 2 વ્યક્તિઓને કાળમાળ નીચેથી કાઢવા દોડધામ મચી જવા પામી છે. ઘટના મામલે સૌથી મોટી ચર્ચા ભ્રષ્ટાચારના રાક્ષસની થઈ રહી છે. નીચેના ફકરામાં વાંચો ગંભીર અહેવાલ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રિ - માર્ગીય નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થયા છે. આ સ્લેબ નીચે રીક્ષા દબાઇ અને બીજા બે વ્યક્તિ પણ દટાયા પરંતુ રીક્ષામાં અન્ય કોઇ બેઠું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવા ક્રેન દ્વારા સ્લેબના કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરના આ ઓવરબ્રિજની દુર્ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. આ દુર્ઘટનાના કારણો જાણવા માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેર તાત્કાલિક પાલનપુર પહોંચતાં થયા છે.

બ્રિજ વિશે પણ જાણો

કેન્દ્ર સરકારે 125 કરોડના ખર્ચે પાલનપુરનો આ થ્રી લેગ એલિવેટેડ રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો છે. ઠેકેદાર એજન્સીને 90 કરોડના ખર્ચે આ બ્રીજ બનાવવાનું કામ સોંપ્યું છે. દાંતા તરફ 682 મીટર લાંબો, આબુ રોડ તરફ 700 મીટર લાંબો અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબા ત્રણ લેગ બનાવવામાં આવ્યા છે. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જોકે ચાલું કામકાજ વચ્ચે બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ભયંકર ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે.