દુર્ઘટના@રાજકોટ: ફાયર બ્રિગેડના ચાલકે ટુ-વ્હીલરને અડફેટ લેતા યુવકનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથી અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. રાજકોટ શહેરના કેનાલ રોડ પર ફાયર બ્રિગેડની ગાડીના ચાલકે ટુ-વ્હીલરને અડફેટ લેતા તેના પર બેઠેલા ગુંદાવાડીની કપડાની દુકાનમાં નોકરી કરતાં બે મિત્રો ફેંકાઇ ગયા હતા. તે પૈકી જસદણના યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું.
બનાવના પગલે પરિવારજનોએ આધારસ્તંભ દીકરો ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઉલ્લખેનીય છે કે, આ યુવાન 22 દિવસથી જ નોકરીમાં જોડાયો હતો અને જસદણથી રાજકોટ અપડાઉન કરતો હતો. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે બચી ગયેલા ટુ-વ્હીલર ચાલક મૃતકના મિત્ર તિર્થ વિપુલભાઈ સવસેટા ની ફરિયાદ પરથી ફાયર બ્રિગેડની ગાડી જીજે.03વાય.9008ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
તિર્થ સવસેટાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગુંદાવાડી મેઇન રોડ પર સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્સમાં કમલેશભાઈ પીઠડીયાની સિધ્ધી ફેશન નામની કપડાની દૂકાનમાં નોકરી કરુ છું. મારી સાથે મુળ જસદણનો હર્ષિલ ઉમેશભાઈ રવૈયા (ઉં.વ.22) પણ છેલ્લા 22 દિવસથી આ દૂકાનમાં નોકરી કરતો હોવાથી અમારી વચ્ચે મિત્રતા થઇ હતી.
બુધવારે હું અને મિત્ર હર્ષિલ અમારી નોકરીના સ્થળેથી શેઠ કમલેશભાઈએ એક કપડાનું પાર્સલ ગ્રાહકને કેનાલ રોડ પર પહોંચાડવા આપ્યું હોઈ તે આપવા માટે નીકળ્યા હતાં. હર્ષિલને શેઠે આ કામ સોંપ્યું હોઇ તેણે મને સાથે આવવાનું કહેતાં હું અમારા શેઠ કમલેશભાઈનું એક્સેસ જીજે.02.જેઇ.9383 હંકારતો હતો અને હર્ષિલ પાછળ બેઠો હતો. અમે ગુંદાવાડી પોલીસ ચોકીથી જિલ્લા ગાર્ડનવાળા રોડ પર બલદેવ ચા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી ફાયર બ્રિગેડના વાહને ટક્કર મારતાં હુ રોડની ડાબી સાઇડ અને હર્ષિલ જમણી સાઇડ ફેંકાઇ ગયો હતો. જેમાં મને જમણા પગની આંગળીઓમાં ઇજા થઇ હતી. જ્યારે હર્ષિલને પીઠના ભાગે ઇજાઓ થઇ હતી.
માણસો ભેગા થઇ જતા અમને ઉભા કર્યા હતાં. આ વખતે ફાયર બ્રિગેડના વાહનના નંબર જોતાં જીજે.03.વાય.9008 જોવા મળ્યા હતાં. તેનો ચાલક આ વાહન લઇ ત્યાંથી નીકળી ગયો હતો. હું હર્ષિલને રિક્ષામાં લઇ પદમકુંવરબા હોસ્પિટલે લઇ ગયો હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહેતાં ત્યાં પહોંચતા તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક હર્ષિલ એક બહેનથી નાનો તથા માતા-પિતાનો આધારસ્તંભ હતો. તે જસદણથી રાજકોટ અપડાઉન કરતો હતો.