દુર્ઘટના@રાજકોટ: માલિયાસણ ચોકડી પાસે 2 ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત

ભયાનક અકસ્માત સર્જાયો હતો
 
 દુર્ઘટના@રાજકોટ: માલિયાસણ ચોકડી પાસે 2 ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ બધા બનાવોમાં લાખો લોકો મુત્યુ પામતા હોય છે. રાજકોટ-અમદાવાદ હાઇવે સતત બીજા દિવસે રક્તરંજીત થયો હતો. ગઈકાલે સવારે માલિયાસણ ચોકડી પાસે બે ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ કુવાડવા નજીક રોડ ક્રોસ કરી રહેલ ચોટીલાના સિરોડા ગામના યુવકને પુરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે હડફેટે લેતાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજતાં ધોરી માર્ગ જીવલેણ અકસ્માત ઝોન બન્યો હોય તેમ સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ, ચોટીલાના સિરોડા ગામે રહેતાં વિક્રમભાઈ હકાભાઈ ચૌહાણ (ઉ.વ.24) ગઈકાલે સાંજે પોતાના ઘરેથી વાવેતર કરવા માટે તુવેર લેવા માટે ગામની પીકઅપ વાન ભાડે કરી કુવાડવા તરફ જઈ રહ્યા હતાં. ત્યારે તેઓ કુવાડવા નજીક આવેલ જીજે-3 હોટલ પાસે ચા પીવા માટે ઉભા રહ્યા હતાં. ત્યારે તેની સાથે રહેલ કૌટુંબિક કાકા ગોરધનભાઇ પહેલાં રોડ ક્રોસ કરી હોટલે પહોંચ્યા હતાં. જે બાદ યુવાન યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવેલ ટ્રક નં.જીજે-03-બી ડબ્લ્યુ-7652 ના ચાલકે હડફેટે લેતાં તોતિંગ વ્હીલ યુવકની માથે ફરી વળતાં તે ચગદાઈ ગયો હતો.

બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડતાં ટ્રાફિક જામ થયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ પાંડાવદરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.  યુવકને બહાર કાઢી ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર કારગત ન નિવડતાં યુવકનું મોડીરાતે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને આક્રંદ મચાવ્યો હતો. વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ, વિક્રમ ખેતીકામ કરતો અને તેના પિતા સિરોડા ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમજ તેના એક વર્ષ પહેલા જ લગ્ન થયાં હતાં અને સંતાનમાં છ માસનો એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.