દુર્ઘટના@રાજકોટ: વાહનની હડફેટે વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. કુવાડવા પાસે ગાયત્રી આશ્રમ નજીક હાઇવે પર વધું એક હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. ગઈકાલે સાંજે રોડ ક્રોસ કરતી વેળાએ આદિવાસી વૃદ્ધને અજાણ્યાં વાહને હડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટની ભાગોળે આવેલ ખેરવા ગામની સીમમાં ખેડૂત આરીફભાઈની વાડીએ રહેતાં મૂળ દાહોદના ધાનપુરના વતની સબૂરભાઈ પરમાર ગઈકાલે તેમના પત્ની કમલીબેન સાથે તેના કુવાડવા રહેતાં પુત્ર રમેશને મળવા માટે વાંકાનેર ચોકડીથી રિક્ષામાં બેસી કુવાડવા ગામથી આગળ અમદાવાદ હાઈવે પર આવેલ ગાયત્રી આશ્રમ પાસે રિક્ષામાંથી ઉતરી ગાયત્રી આશ્રમ તરફ રોડ ક્રોસ કરી રહેલ હતા.
તે દરમીયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે તેઓને હડફેટે લેતાં રોડ પર પટકાયા હતાં. જેઓને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે વૃધ્ધને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે કુવાડવા સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક ખેતમજૂરી કામ કરતાં અને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.