દુર્ઘટના@રાજકોટ: બે બાળક અને મહિલાને બેફામ સ્પીડે આવી રહેલા વર્ના કારચાલકે અડફેટ લીધા, 2ના મોત

પરિવારમાં અરેરાટી વ્યાપી
 
દુર્ઘટના@રાજકોટ: બે બાળક અને મહિલાને બેફામ સ્પીડે આવી રહેલા વર્ના કારચાલકે અડફેટ લીધા,  2ના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ  વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલી મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે બાળક સાથે પગપાળા જઈ રહેલી મહિલાને બેફામ સ્પીડે આવી રહેલા હ્યુન્ડાઇની વર્ના કારચાલકે અડફેટે લેતાં ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યા ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા પહોંચતાં પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ કાલાવડ હાઇવે પર મેટોડાના મણિદ્વીપ મંદિરની સામે રોડ ક્રોસ કરતી વેળાએ શીલુદેવી ચંદનકુમાર શાહ (ઉં.વ.21), અંકુશ ચંદનકુમાર શાહ (ઉં.વ.2) અને રાજા કૈલાસભાઈ પાસવાન (ઉં.વ.13) સહિત કુલ ત્રણ વ્યક્તિને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધાં હતાં. હિટ એન્ડ રનનો બનાવ બનતાંની સાથે જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં અને ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


અકસ્માતથી ગંભીર ઈજા થતાં ત્રણેયને પ્રથમ સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની હાલત વધુ નાજુક હોઈ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, પરંતુ અહીં ફરજ પરના તબીબોએ શીલુદેવી તેમજ તેમના પુત્ર અંકુશને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટનાર કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને તેમનો પુત્ર કારખાનામાંથી કામ પૂર્ણ કરી ઘરે જવા નીકળ્યાં હતાં. એ વેળાએ રોડ ક્રોસ કરતી વખતે બનાવ બન્યો હતો. અકાળે માતા-પુત્રનાં મોત નીપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.