દુર્ઘટના@સુરત: 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી, 1નું મોત, 5 લોકો દાઝ્યા
ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો. તેમજ ઉપર ટેક્સ્ટાઇલના જોબવર્કનું કામ ચાલતું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી, અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા હતા. તેમજ એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યું છે. મેયર દક્ષેશ માવાણી અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત લીધી હતી.
સુરતના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા મળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાંથી 5 જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સીમાડા નાકા વિસ્તારની અંદર લાગેલી આગને કારણે પાંચ લોકો દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ, ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી. ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું હતું. જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો. આ ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આ ઘટના બની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે.
ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું છે. તેમાં પાંચ લોકોને ઈજા થઈ છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે.