દુર્ઘટના@સુરત: ચોથા માળેથી લિફ્ટ તૂટી પડતાં 4 લોકો નીચે પટકાયા, 1ની હાલત ગંભીર

એક યુવકને ગંભીર ઇજા પહોંચી
 
દુર્ઘટના@સુરત: ચોથા માળેથી લિફ્ટ તૂટી પડતાં 4 લોકો નીચે પટકાયા, 1ની હાલત ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતના વેડરોડ વિસ્તારની ઘટના હૃદયનો ધબકારો ચુકાવી દે એવી છે. બે દિવસ પહેલાં વેડરોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલા મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટ્યો હતો. આ સમયે લિફ્ટમાં ચાર લોકો હાજર હતાં. લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


લિફ્ટ તૂટી પડવાની આખી ઘટના અંદરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. એમાં જોઈ શકાય છે કે પહેલા માળે રહેલી લિફ્ટને છઠ્ઠા માળે બોલાવવામાં આવે છે, જેમાં બે મહિલા લિફ્ટમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ બે યુવક લિફ્ટમાં આવે છે. છઠ્ઠા મળે આ લિફ્ટ ચોથા માળે પહોંચે છે, ત્યારે થોડોક ઝટકો લાગે છે અને ત્યાર બાદ અચાનક જ અટકી જાય છે.

અચાનક ઊભી રહી જવાના કારણે અંદર રહેલી બે મહિલા અને બે પુરુષને થોડુક અજુગતું લાગે છે. દરમિયાન આ ચારે વ્યક્તિ કંઈપણ વિચારે એ પહેલાં જ ચોથા માળેથી જ નીચે પટકાઈ છે. ચોથા માળેથી નીચે પટકાવાને કારણે ત્રણ વ્યક્તિને સામાન્ય પહોંચી હતી, જ્યારે એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


લિફ્ટની સાથે નીચે પટકાયેલા રૂશાલીબેને જણાવ્યું હતું કે સવારે 8:30 વાગ્યા આસપાસ કામ પર જવા માટે નીકળ્યાં હતાં. લિફ્ટમાં જતા સમયે ચોથા માળેથી લિફ્ટ નીચે પડી ગઈ હતી. લિફ્ટમાં અમે ચાર લોકો હતા. બે ભાઈને વધારે ઇજા થઈ છે. મને પણ પગમાં ઇજા થઇ છે. લિફ્ટને કેમેરા સહિતનું બધું તૂટી ગયું હતું.